બ્લોગને અલગ અલગ ભાષામાં જૂઓ

આ બ્લોગને બીજી ભાષામાં જોવા માટે ફ્લેગ પર ક્લીક કરો
ArabicBlogger Tips And Tricks|Latest Tips For BloggersFree BacklinksBlogger Tips And Tricks Korean Japanese Chinese Simplified
Russian Portuguese English French
German Spain Italian Dutch

ગુજરાતના મહાનુભવો

જમશેદજી તાતા

ભારતના અર્વાચીન ઉદ્યોગોના પ્રણેતા, આદ્યપિતા જમશેદજી તાતાનો જન્મ નવસારીમાં ઈ.સ. ૧૮૩૯માં થયો હતો. જમશેદજી સ્વતંત્ર મિજાજના મહત્વાકાંશી યુવક હતા. દાદાભાઈએ તેમનામાં રાષ્ટ્રિયતાની ભાવના સીંચી હતી. ચીલાચાલુ વ્યવસાયમાંથી ફંટાઈને નવું કરવાની તેમને તમન્ના હતી. કોલેજ અભ્યાસ પછી પિતાની સાથે વેપારમાં જોડાવાની ફરજ પડતાં કોલેજ છોડી નાગપુરમાં અમ્પ્રેસ મિલ નાંખીને ઊંચી કક્ષાનું વ્યવસ્થાતંત્ર, મિલકામદારોનું કલ્યાણ એ બાબતોને તેમને દેશ-વિદેશમાં અદભુત સફળતા અપાવી. ભારતમાં ટેક્ષટાઈલ ઉદ્યોગનું આધુનિકરણ એ જમશેદજી તાતાને આભારી છે. એ જ રીતે ઊંચી ઈમારતો તથા તાજમહેલ હોટલ દ્વારા મુંબઈની રોનક વધારવા માટે અથાક પ્રયાસો તેમણે કર્યાં. મુંબઈને તેમણે વિશ્વપ્રવાસીઓના નકશા પર મૂકી આપ્યું. અર્વાચીન ભારતના ઔદ્યોગિક નવનિર્માણના આદ્ય ધુરંધર શ્રી જમશેદજી તાતાને ગણવા જોઈએ. તાતા માત્ર એક ધનાઢય ઉદ્યોગપતિ જ હોત તો એમનું સ્મરણ અને સ્થાન આજે ભારતના ઈતિહાસમાં છે તેવું આદરણીય ન હોત પણ તેમણે માત્ર ઉદ્યોગો જ નથી સ્થાપ્યો, એમણે ભારતને ઔદ્યોગિક દ્રષ્ટિ આપી, ઔદ્યોગિક ક્રાંતિ આપી. સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા મેળવનારને ‘સર’ ના શાહી ઈલકાબનો ત્યાગકરનાર આ કર્મવીર અર્વાચીન ભારતના ઘડવૈયાઓમાં એક ગણાય છે. ભારતમાં ઉદ્યોગ સ્થાપવાનું કામ ચાલતું હતું પરંતુ તે સ્વપ્ન સાકાર થાય તે પહેલાં ૧૯-૫-૧૯૦૪ના રોજ જર્મનીમાં તેમનું અવસાન થયું.

ડૉ. વિક્રમ સારાભાઈ
" વિજ્ઞાન એ સાધન છે, સાધ્ય નથી, અધ્યાત્મનો એક યજ્ઞ છે ".ભારતના અણુશક્તિ પંચના અધ્યક્ષ આંતરરાષ્‍ટ્રીય ખ્યાતિ ધરાવતા મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમભાઈનો જન્મ ઈ. ૧૯૧૯માં અમદાવાદમાં થયો હતો. કીર્તિ પ્રાપ્‍ત કરવાની
લાલસા તેમને બચપણથી જ હતી. એમના પ્રિય વિષયો હતા. ગણિત અને વિજ્ઞાન. મુંબઈ કેમ્બ્રિજમાં ઉચ્ચ અભ્યાસ કરી અમદાવાદની ફિઝિકલ રીસર્ચ લેબોરેટરીમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી. ‘કોસ્મિક રે‘ એમનો પ્રિય વિષય હોઈ આ અંગે ભારતમાં ઠેર ઠેર સંશોધન કેન્દ્રો ઊભા કર્યાં. તેમણે ભારતમાં કૃત્રિમ ઉપગ્રહો દ્વારા ટેલિવિઝન કાર્યક્રમોના પ્રસારણની કલ્પના સૌ પ્રથમ કરી અને સાકાર પણ બનાવી. ‘શાંતિસ્વરૂપ ભટનાગર મેમોરિયલ એવોર્ડ’ અને ‘પદ્મભૂષણ’ના બહુમાન એમને મળ્યાં હતા. જીનિવાની અણુ પરિષદમાં એમણે કહ્યું હતું કે "વિજ્ઞાન એ સાધન છે, સાધ્ય નથી, અધ્યાત્મનો એક યજ્ઞ છે. વિજ્ઞાન + હિંસા = સર્વનાશ." જીવનના છેલ્લા શ્વાસ સુધી એ કર્મ કરતા રહ્યા હતા. તેમણે પોતાનું સંપૂર્ણ જીવન દેશ માટે, વિજ્ઞાનને ક્ષેત્રે, પરમાણું ઊર્જા ક્ષેત્રે, ટેક્ષટાઈલ ક્ષેત્રે આજે ભારત જે કંઈ છે એનો સંપૂર્ણ યશ ડૉ. વિક્રમ સારાભાઈને ફાળે જાય છે. તા. ૨૧-૧૨-૧૯૭૧ના રોજ એમના ધરતીકંપ સમા અકાળ અવસાનથી સમસ્ત રાષ્‍ટ્રે ભારે આંચકો અનુભવ્યો. કુદરતે વિક્રમભાઈનું જીવન ટૂંકાવી દીધું તે દેશની કમનસીબી છે. તે લાંબું જીવ્યા હોત તો તેમની કાર્યશક્તિ દેશને ક્યાંય લઈ ગઈ હોત.

મહાત્મા ગાંધીજી

આજના ગુજરાતને – ભારતને – વિશ્વને પૂ. ગાંધીજીનો પરિચય શો કરાવવાનો? બુદ્ધ-ઈસુની પરંપરાના એ યુગપુરુષ. આ યુગના સત્‍યાવતાર પૂજ્ય ગાંધીજીનો જન્‍મ તા. ૨-૧૦-૧૮૬૯માં પોરબંદર મુકામે થયો. વિદ્યાર્થી તરીકે તદ્દન સામાન્‍ય અને જુવાન થયા ત્‍યાં સુધી કેટલીક અક્ષમ્‍ય ભૂલો પણ કરી બેઠા, પરંતુ ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે ભારે જાગૃત. વિદેશમાં જઈ બેરિસ્‍ટરની પદવી પ્રાપ્‍ત કરી. દક્ષિણ આફ્રિકા એક કેસ લડવા ગયેલા, પરંતુ એમાંથી ત્‍યાં વસતા ભારતીયજનોની કફોડી હાલતથી દ્રવી ઊઠ્યા અને ત્‍યાં ઐતિહાસિક સત્‍યાગ્રહને સફળળ બનાવ્‍યો. સમગ્ર વિશ્વને એમણે સત્‍ય, અહિંસા, ન્‍યાય અને વિશ્વપ્રેમનો રાહ બતાવ્‍યો. ભારતની આઝાદી તો એમને મન એક નિમિત્તમાત્ર હતી. વાસ્‍તવમાં તો આ મહામાનવનો જન્‍મ તો એટલા માટે જ થયો હતો કે ભયંકર હિંસક શાસનકર્તાઓની હેવાનિયત સામે નૈતિક હિંમતથી, આત્‍મબળથી અને અહિંસાના અમોઘ શસ્‍ત્રથી કેવી રીતે લડી શકાય અને વિજય પ્રાપ્‍ત કરી શકાય એની ઝાંખી સમસ્‍ત માનવજાતને થાય. જીવન એ તેમની પ્રતિભાનું કાવ્‍ય હતું તો મૃત્‍યુ એ તેમની પ્રતિભાનું મહાકાવ્‍ય બની ગયું. દાંડીકૂચ યાત્રા કરનાર આ માનવીમાં એવી તો કઈ દૈવીશક્તિ હતી કે જેના અહિંસક સત્‍યાગ્રહ આગળ અંગ્રેજ સરકારના તમામ શસ્‍ત્રો બુઠ્ઠાં થઈ ગયા એ વિશે ભવિષ્‍યની પેઢી તો વિસ્‍મય જ પામવાની. સૂર્યનું માત્ર સ્‍ત્રોત જ ઉચ્‍ચારાય તેમ મહાત્‍મા ગાંધીજીને વંદન જ કરવાના હોય.
૧લી મેના રોજ ગાંધી મંદિરનું ખાતમૂર્હૂત કરવામાં આવ્યું. ત્યારે સૌપ્રથમ દેશ-વિદેશમાંથી લાવવામાં આવેલી માટી અને જળના કુંભ પધરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે ગુજરાત રાજ્યના ૧૮ હજાર ગામડાંઓ અને ૧૬૯ શહેરોની માટી અને જળના કળશનો પણ મહાત્મા મંદિરના નિર્માણમાં યોગદાન મળવું જોઈએ તેવા ઉદ્દેશ સાથે કારસેવાનું આયોજન કર્યું હતું. આ કારસેવાનો સાતેક દિવસનો કાર્યક્રમ હતો. જેમાં ગામે ગામના સરપંચો માટી અને જળના કળશ લઈને પાટનગર ગાંધીનગર ખાતે આવ્યા હતા. રાજ્ય સરકારે આ કાર્યક્રમ દરમિયાન સરપંચોની આગતા સ્વાગતા અને મંડપ ડેકોરેશનના હેતુ માટે પેમ્ફલેટો અને પુસ્તિકાઓ છપાવી હતી. જે માટે રાજ્ય સરકારે ૧૫ ઓગસ્ટ ૨૦૧૦ સુધીમાં ૮૭.૬૨ લાખનો ખર્ચ કર્યો છે.

સામ પિત્રોડા ટેલિકૉમ્‍યુનિકેશન ક્ષેત્રેના પિતામહ સામ પિત્રોડા

ભારતમાં ટેલિકૉમ્‍યુનિકેશન ક્ષેત્રની ઘણા લાંબા સમયની મંદતા અને તેની સામે પડેલ અનેકવધ ટૅકિનકલ રુકાવટોને ચપટીમાં દૂર કરી ગણત્રીનાં વર્ષોમાં જ સમગ્ર ભારતમાં ટેલિકૉમ્‍યુનિકેશન ક્ષેત્રે અદભુત ક્રાંતિ સર્જનાર સામ પિત્રોડાનો જન્‍મ : ઇ.સ. ૧૯૪૨માં ગુજરાત રાજયના સુરેન્‍દ્રનગર જિલ્‍લાના હળવદ તાલુકામાં થયો છે. તેઓ એક ખૂબ જ સામાન્‍ય કુટુંબમાં અને સત્‍યભાઇ સુથારના સામાન્‍ય નામ સાથે જન્‍મેલા. નાનપણથી જ તેઓ અભ્‍યાસમાં તેજસ્‍વી હતા અને તેમનામાં રહેલા વિજ્ઞાની જીવે તેમને ટૅકિનકલ ક્ષેત્રમાં અસામાન્‍ય શોધખોળ કરવા પ્રેર્યા.

અમેરિકામાં તેમના જવાથી ટેલિકૉમ્‍યુનિકેશન ક્ષેત્રના સંશોધનમાં અસામાન્‍ય વેગ આવ્‍યો. એમાં ધારી સફળતા મેળવી તેઓ સમગ્ર વિશ્ર્વમાં ખ્‍યાતનામ થયા. તે અગાઉ તેઓ સામ પિત્રોડા જેવું વિદેશી નામ રાખી ચૂકયા હતા. ભારતના સદનસીબે ભારત સરકારના આમંત્રણને તેમણે સ્‍વીકાર્યું અને ભારતમાં સેવા આપવાનો આ વિજ્ઞાનીએ નિર્ધાર કર્યો. સંદેશા-વ્‍યવહારના મુખ્‍ય એકમોના અગ્રણી તરીકે અને ભારત સરકારના ટૅકનૉલૉજી મિશનના સલાહકાર તરીકે તેમની નિમણૂક કરાઇ.

ટૂંકા ગાળામાં તેમણે વિદેશ જોડે સીધો સંદેશા-વ્‍યવહાર સંપર્ક, ઇલેકટ્રૉનિક ટેલિફોન ઍકસચેંજ, દેશ આખાને દૂરસંચાર નેટવર્કથસ સાંકળવાની કામગીરી તેમજ સંદેશાવ્‍યવહારના માધ્યમો અને સાધનોને ઑપ્‍ટીકલ બનાવવાનું કામ કર્યું.

લાંબા વાળ અને દાઢીધારી એવા વિજ્ઞાની મિજાજના ચહેરાથી શોભતા સામ પિત્રોડાએ ટેલિફોનના પરંપરાગત મોડેલની જગાએ પુશબટન ફોન, તેની જાતે જ ડાયલિંગ થાય તેવા ફોન અને મેમરીવાળા ફોન વપરાશમાં લેવાય તે માટે દૂરસંચાર વિભાગમાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. તેમના આગમન બાદ ભારતમાં નવાં કનેકશનો લોકોને ધાર્યા કરતા વધુ ઝડપે મળી રહ્યાં છે. 

હેમુ ગઢવી-સૌરાષ્‍ટ્રના વિખ્યાત લોકગાયક

લોકગીતોની સૂરાવલિમાં સમાયેલું સૌંદર્ય છતું થાય એવી હલકથી ગાવાની ક્ષમતા ધરાવતા અને કથાનકમાં રહેલા વીર કે કરુણ રસને બહેલાવે એવો કંઠ ધરાવતા હિંમતદાન ગઢવીનો જન્મ સૌરાષ્‍ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે ઈ. ૧૯૨૯ના સપ્‍ટેમ્બર માસની ૮મી તારીખે થયો હતો. પછીથી તેઓ ‘હેમુ‘ નામના લાડીલા ઉપનામથી ઓળખાતા હતા.
લોકસાહિત્યની ગીત-કથાઓ, વારતાઓ વગેરેને લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર આ ગાયક અને કથા-નિવેદક સૌરાષ્‍ટ્રના પડધરી ગામે કોળી મહિલાઓનાં ગીતોનું ધ્વનિ-મુદ્રણ કરી રહ્યા હતા ત્યારે જ ઈ. ૧૯૬૫ના ઑગસ્ટ માસની ૨૦મી તારીખે કાયમી વિદાય લઈ પરલોક સિધાવ્યા.
પિતાનું નામ નાનુભા. નાનુભા પોતે નિરક્ષર હતા અને ખેતીનો ધંધો કરતા હતા. માતા બાબુબાએ હેમને ભવાઈ અને પ્રવાસી નાટક-મંડળીઓનો પરિચય કરાવ્યો. બાલુબાના ભાઈ એટલે કે હેમુના મામા નાટક મંડળી ચલાવતા. હેમુ એ કંપનીનાં નાટકોમાં સ્ત્રીપાત્ર ભજવતા. નાટક-મંડળી પ્રવાસ કરતી રહેતી. પરિણામે વિવિધ સ્થળોએ વિવિધ શ્રોતામંડળી સમક્ષ લોકગીતો, રાસ, ગરબા વગેરે રજૂ કરવાની તક તેમને સાંપડી. લોકસાહિત્યમાં રસ પડતાં તેનો વ્યવસ્થિત અભ્યાસ શરૂ કર્યો. મોરબીના વિદ્યારામ હરિયાણીને તેમણે પોતાના ગુરુ તરીકે સ્થાપ્‍યા હતા. વિદ્યારામે લોકસાહિત્યની ખૂબીઓ અને વિવિધતાથી હેમુને સુપરિચિત કર્યા.
ઈ. ૧૯૬૫માં તેઓ રાજકોટ આકાશવાણીમાં જોડાયા. તે દરમિયાન અસરકારક પદ્ધતિએ લોકસંગીત શી રીતે રજૂ કરવું તેની વ્યવસ્થિત તાલીમ તેમણે લીધી. પછી તો તેમણે સંખ્યાબંધ જાહેર કાર્યક્રમો આપ્‍યા. તેમનો અવાજ ઝવેરચંદ મેઘાણી જેમ બુલંદ અને સુરીલો હતો. તેમણે ગાયેલાં અસંખ્ય લોકગીતોની ગ્રામોફોન રેકર્ડ તૈયાર થઈ ધૂમ વેચાવા લાગી.
આકાશવાણીમાં તેમને લોકસંગીતના સહાયક દિગદર્શક તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમના સહકાર્યકર હતાં દીનાબહેન ગાંધર્વ. એમના સાથમાં તેમણે અનેક લોકસંગીત – રૂપકો રચ્યાં. એમાંનાં ‘રાંકનું રતન‘, ‘શેણી વિજાણંદ‘, ‘કવળાં સાસરિયા‘ તથા ‘પાતળી પરમાર‘ આજે પણ એટલાં જ લોક પ્રિયરહ્યાં છે.
‘એક દિન પંચસિંધુને તીર‘ અને ‘વર્ષાવર્ણન‘ જેવી ગદ્યવાર્તાઓ તેમણે રજૂ કરી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્‍ત કરી હતી. તે સમયમાં સૌરાષ્‍ટ્ર સંગીત નાટક અકાદમી અસ્તિત્વમાં હતી. આ અકાદમીએ ‘શેતલને કાંઠે‘ અને ‘ધન્ય સૌરાષ્‍ટ્ર ધરણી‘ જેવાં નાટકો રજૂ કર્યાં હતાં. આ નાટકો ખૂબ જ પ્રશંસા પામ્યાં હતાં. આ પ્રશંસા પાછળ હેમુનો કંઠ અને તેમના અભિનયનું અતિ મહત્વનું પ્રદાન છે.
ઝવેરચંદ મેઘાણીએ ઢગલાબંધ લોકગીતોનું સંશોધન અને તેનો સંચય કર્યો છે. આ લોકગીતોને કવિ દુલા કાગ કે કાનજી ભૂટા બારોટ જેવા ગાયકોએ ઢાળ આપવાનું કામ કર્યું છે. હેમુ ગઢવીની ગણના પણ ઢાળ આપનાર આ ગાયકોમાં થાય છે.
અસરકારક રીતે લોકસાહિત્યની રજૂઆત કરવામાં તે એક્કા હતા. ઊછરતા લોકસાહિત્ય કલાકારોને તાલીમ આપી કુશળ બનાવવામાં પણ એમણે મહત્વનો ફાળો આપ્‍યો હતો.


ભારતીય બંધારણનાં ઘડવૈયા - ડૉ. ભીમરાવ આંબેડકર 
 દલિત ઉદ્ધારક ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના એક ગામમાં તા. 14.4.1891ના રોજ થયો હતો. બી.એ. થયા પછી વડોદરા રાજ્યની આર્થિક સહાયાથી અમેરિકા જઇ પીએચ.ડી. થયા અને તેમણે મુંબઇ હાઇકોર્ટમાં વકિલાત શરૂ કરી. લંડનમાં ભરાયેલી ત્રણ ગોળમેજી પરિષદમાં અંત્યજોના પતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. ‘પૂના કરાર’ મુજબ તેમણે હરિજનોને અનામત બેઠકો અપાવી હતી. કાયદા પ્રધાન હોવાને નાતે તેમણે માત્ર અછૂતોના હિત માટે નહિ પરંતુ સમગ્ર ભારતવાસીઓને નજર સમક્ષ રાખીને વિશ્વમાં અજોડ કહી શકાય એવું બંધારણ ઘડી કાઢ્યું ભારતના આ સપૂતે બંધારણના રૂપમાં દેશ અને દેશવાસીઓને એક મોટી ભેટ આપી છે. એમના જીવનમાં ત્રણ આધારભૂત સિદ્ધાંતો હતા. ‘શિક્ષિત બનો‘,‘સંગઠિત બનો‘ અને ‘સંઘર્ષ કરો‘. તેઓ કહેતા: “સમાજે મારો બહિષ્કાર કર્યો છે પણ પુસ્તકોએ મને હ્રદયમાં સ્થાન આપ્યું છે.” ભારત સરકારે તેમને મરણોતર ‘ભારતરત્ન‘ ખિતાબ અર્પણ કર્યો હતો. ઇ.1956ના એક દિવસે પોતાના પુસ્તક ‘ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ‘ની પ્રસ્તાવના લખીને સૂઇ ગયા અને ચિર નિંદ્રામાંથી જાગ્યા જ નહીં. ડૉ.બાબા સાહેબ આંબેડકર આજે પણ ભારતના સંવિધાન રૂપી આપણી વચ્ચે જ છે. તેમનું જીવન પ્રેરણાનો ધોધ છે. તેમાં આપણે થોડુ પણ અપનાવીએ નહિ પણ વિચારીયે તો પણ તેને ખરા દિલની શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. બાબા સાહેબને સલામ.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
 ગુજરાતના ‘રાષ્‍ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીનો જન્‍મ 28-8-1896 ના રોજ પાંચાલ ભૂમિના ચો‍ટીલા ગામે થયો હતો. બી.એ.થઈ એક કારખાનામાં વ્‍યવસ્‍થા વિભાગમાં જોડાયા ત્‍યાં બંગાળી ભાષા શીખ્‍યા. ત્‍યાં જ જુવાન ઝવેરચંદ ને જાણે મા-ભોમનો –સોરઠની ધરતીનો સાદ સંભળાયો અને પોતાની નિશ્ચિત આજીવિકા છોડીને લોક-લોકસાહિત્‍યની સેવા કરવા સૌરાષ્‍ટ્રમાં આવી ગયા. સૌરાષ્‍ટ્રના દૂહાઓ અને લોકકથાઓને પુનજીર્વિત કરી ગામડે ગામડે રખડી-રઝડીને ઘરડેરાં પાસે વાતો કઢાવીને એ ધરબાયેલા ધનને સાહિત્યિક પુટ આપીને સૌરાષ્‍ટ્રના ખમીરને લોકો સમક્ષ મૂકી દીધું. માત્ર પચાસ વર્ષના ટૂંકા આયુષ્‍યમાં તેમણે અઠ્ઠાસી પુસ્‍તકો લખ્‍યાં. ‘સૌરાષ્‍ટ્રની રસધારા’, ‘સોરટી બહારવટિયા’, ‘તુલસી ક્યારો’, ‘વેવિશાળ’, ‘કંકાવટી’, ‘રવીન્‍દ્ર વીણા’, ‘યુગવંદના’વગેરે તેમના ઉલ્‍લેખનીય પ્રકાશનો છે. ચારણો તથા જોગી-જતીઓની વચ્‍ચે ઘુમીને લોકસાહિત્‍ય એકઠું કરવાથી માંડીને સાહિત્‍ય પરિષદ સંમેલનમાં પ્રમુખપદે તે બિરાજ્યા હતા. ગુજરાતી સાહિત્‍ય સભાએ તેમને પ્રથમ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અર્પણ કર્યો હતો. વેદનાને કરુણભર્યા પ્રલંબ સૂરે ગાઈને તેમણે શ્રોતાજનોને રડાવ્‍યા હતા. લોકહ્વદયમાં ઉભરાતી લાગણીઓને કંઠ આપનાર એ અજબ બજવૈયાનું નામ ઈ. ૧૯૪૭માં એકાએક વિલાઈ ગયું. સુરેશ દલાલ કહે છે કે :
                                     ‘ખુમારીથી ઝઝુમતી હોય જોવી ગુર્જરી વાણી
                                      કંસુબી રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી.’ 


સ્વપ્ન દ્રષ્ટા ધીરુભાઈ અંબાણી 
 ધીરુભાઈનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ થયો હતો. હીરાચંદભાઈ અને જમનાબહેનનું તેઓ પાંચમું સંતાન. ૧૭ વર્ષની વયે એડનની એ. બીઝ એન્ડ કંપનીમાં કામ કરવા તેમણે વતન ચોરવાડ છોડ્યું. નવ વર્ષ પછી તેઓ ભારત પાછા ફર્યા અને રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના કરી વ્યાપારી સાહસની શરૂઆત કરી. મરી-મસાલાના વ્યાપારમાંથી યાર્નના વ્યાપારમાં ઝુકાવ્યું અને ૧૯૬૬માં અમદાવાદના નરોડામાં ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરી. તેમણે ટેક્સટાઇલ્સ, યાર્ન, પોલિયેસ્ટર અને પેટ્રોકેમિકલ્સના મેન્યુફેક્ચરિંગની એક વેલ્યૂ ચેઈન ઊભી કરી. ઓઈલ રિફાઈનિંગના ક્ષેત્રમાં ઝુકાવ્યું અને અબજો ડોલરના ઓઇલ એકસ્પ્‍લોરેશનનું સાહસ અજમાવ્યું.
ધીરુભાઈએ ૧૯૭૭માં કેપિ‍ટલ માર્કેટમાં પ્રવેશીને પોતાની યોજનાઓ માટે નાણાકીય સ્ત્રોત ઊભો કરવાનો માર્ગ અપનાવ્યો. બહુ ઓછી જાણીતી ટેક્સટાઈલ કંપનીમાં ભરોસો રાખવા તેમણે મધ્યમ વર્ગના નવા-નવા રોકાણકારોને પ્રોત્સાહિત કર્યાં. કંપનીના અસાધારણ પર્ફોર્મન્સ અને અખૂટ ભરોસાને પગલે-પગલે રોકાણકારોને મળેલા વળતરના કારણે દેશમાં એક નવી રોકાણ-સંસ્કૃતિ (ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર)નું નિર્માણ થયું. માત્ર ૨૫ વર્ષના સમયગાળામાં તેમણે ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન મેળવનાર દેશના સૌથી વિશાળ કોર્પોરેશનનું સર્જન કર્યું. સિદ્ધિ પ્રાપ્‍ત કરવા માટેની અક્ષત વચનબદ્ધતા અને પરવશ ન થઈ જતા તેમના ધ્યેયે રિલાયન્સ ગ્રૂપને એક જીવંત તવારીખ બનાવ્યું. ભારતીય ઉદ્યોગમાં સાતત્યપૂર્ણ વિકાસનો આ ગ્રૂપનો ટ્રેક રેકર્ડ અનન્ય છે. આજે રિલાયન્સનું ટર્નઓવર ભારતના જીડીપીના ત્રણ ટકા જેટલું છે.
ધીરુભાઈએ જે કોર્પોરેટ ફિલોસોફી અપનાવી તે એકદમ સફળ અને સચોટ હતી : હંમેશાં ઊંચું અને નવતર નિશાન સાધો. એના માટે ત્વરા, ચપળતા, સજાગતા કેળવો. શ્રેષ્‍ઠતમનો વિચાર કરો. આ ફિલોસોફીને તેમણે પોતાની ટીમમાં પણ સંવર્ધિત કરી અને રિલાયન્સની ટીમ સદૈવ ઊંચું નિશાન સાધે તેનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો.
અલબત્ત, પોતાના સમગ્ર જીવનમાં તેઓ એના એ જ ધીરુભાઈ બની રહ્યા. તેમના વ્યક્તિગત મોજશોખ સાવ સીધાસાદા, દોસ્તી તો તેમની અવ્વલ, સદાય તાજગી અને તિતિક્ષાથી ભરપૂર, તેમનું ઔદાર્ય અક્ષયપાત્રનું. ઉત્કૃષ્‍ટતા માટેની તેમની અભિલાષા અચલ. ૬૯ વર્ષના જીવનમાં – એ પછી ચોરવાડના બાળક હોય કે એડનના કર્મચારી, બોમ્બેમાં મરી-મસાલા અને યાર્નના વેપારી હોય કે ભારતની સૌથી વિશાળ પ્રાઈવેટ સેક્ટર કંપનીના ચેરમેન – ધીરભાઈએ પોતાના નેતૃત્વની એક નોંધપાત્ર લાક્ષણિકતા જાળવી રાખી.
ભગવદ્દગીતા કહે છે, ‘મહાન માણસનાં કર્મ અન્ય માટે પ્રેરણાસ્ત્રોત છે. એ જે કંઈ કરે છે તેને અન્ય લોકો અનુસરે છે.‘ આ સિદ્ધાંત પ્રમાણે ધીરુભાઈનું જીવન એક ર્દષ્‍ટાંતરૂપ છે. 


આદર્શ રાષ્ટ્રમાતા - કસ્તૂરબા ગાંધી 
 તદ્દન સાદા ને પવિત્ર જીવન દ્વારા સીતા અને સાવિત્રીના સીતવંશની સુભાગી વેલી થવાનું સૌભાગ્ય પ્રાપ્‍ત કરનાર એક તપસ્વીનીએ ઈ. ૧૯૪૪ની ૨૨મી ફેબ્રુઆરીએ ગાંધીજીના ખોળામાં દેહત્યાગ કર્યો ત્યારે સારુંયે ભારત વિલાપ કરતું હતું. એ તપસ્વિની એટલે કસ્તૂરબા ગાંધી. રાષ્‍ટ્રપિતા ગાંધીજીના આ ધર્મપત્ની સાચે જ હિંદનાં મહારાણી હતાં. એમને જે માન મળતું તે બાદશાહની અર્ધાંગિનીને જ મળે. ગાંધી ભલે હિંદના બેતાજ બાદશાહ હતા પણ કસ્તૂરબા તો એક ‘અર્ધનગ્ન ફકીર‘નાં અદૂષિત આજીવનસંગિની જ હતાં. તેમને મળેલી પ્રતિષ્‍ઠામાં કશું જ અસંગત કે વિસંવાદી નહોતું. જો સમર્પણ, ત્યાગ, નિરાડંબર અને સહનશીલતા એ સંતોનું દેવદ્વાર હોય તો તેઓ પતિ ગાંધીજી કરતાં સો ગણાં સરળ અને વંદનીય વિભૂતિ હતાં.
પોરબંદરના એક નાના વેપારી ગોકુલદાસ મકનજી અને વ્રજકુંવરનાં એ પુત્રી ઈ. ૧૮૬૯ના એપ્રિલમાં જન્મેલાં. શાળાનું શિક્ષણ તો મળેલું નહિ, પણ વૈષ્‍ણવ કુટુંબનો સંસ્કારવારસો એમનામાં ઊતરેલો. તેર વર્ષની વયે પોતાથી છ માસ નાના ગાંધીજી સાથે એમનું લગ્ન થયા. જીવન-પરિવર્તનના તીવ્ર અને ઉત્કટ આગ્રહી પતિ સાથે સંસારની જે કડવીમીઠી એમણે અનુભવી એ આકરી કસોટીરૂપ હતી. એ કસોટીમાંથી તેઓ સફળતાથી પાર ઊતર્યાં. બાળપણની નિરક્ષરતાયે એમણે પ્રયત્નપૂર્વક દૂર કરી. ગાંધીજીની અંગત દેખભાળની સાથે તેમણે ઉપાડેલી પ્રત્યેક પ્રવૃત્તિમાં સક્રિય ફાળો આપી એમણે જાત ઘસી નાખેલી, પણ કદી પ્રસન્નતા કે સ્વભાવની મધુરતા નહોતી ગુમાવી. જેલવાસ દરમિયાન પણ એ એટલાં જ પ્રસન્ન અને કાર્યરત રહેતાં.
એમ કહેવાય છે કે કસ્તૂરબા નરમ, ગરીબડાં ને કેવળ પતિની છાયાસમાં હિંદુ પત્ની હતાં. પરંતુ આ સાચું નથી. એમનું આગવું વ્યક્તિત્વ હતું. ગાંધીજીએ પણ પોતાના વિચારો કસ્તૂરબાને ગળે ઉતારતાં ઘણી વાર મુશ્કેલી પડતી. છતાં ‘જન્મોજન્મ સાથીની' શબ્દોમાં બાનું ખઢં સ્વરૂપ વ્યક્ત થાય છે. કસ્તૂરબા એક એવાં શાંત અને ગહન યોગિની હતાં જેમણે પોતાના અમોદ્ય ચારિત્ર્યબળથી ક્રાંતિવીર પતિના વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે પ્રદીપ્‍ત કર્યું. ગાંધીજી સાથે રહેવું કેવું કપરું હતું તે કસ્તૂરબા સિવાય બીજું કોણ જાણી શકે ? ગાંધીજીની અહિંસા અકળાવી નાખે એવી વસ્તુ હતી. તપોવનની એ તાપસીનું ગૌરવચિત્ર આપવાની શક્તિ કોઈમાં પણ હોય તો તે મહાદેવભાઈ દેસાઈમાં અને ગાંધીજીમાં. મહાદેવભાઈએ તો બાની પહેલાં વિદાય લીધી અને ગાંધીજીએ એ બાબતમાં મૌન સેવ્યું. કસ્તૂરબાને કદી કામકાજ પતાવવા દોડાદોડી કરતાં, ગભરાઈ જતાં કે ગુસ્‍સે થઈ જતાં કોઈએ જોયાં નહોતાં. જૂના જમાનાની પરોણાચાકરીનું જીવતું-જાગતું છતાં શાંત, સૌમ્ય અને મુધર પ્રતીક તેઓ હતાં. પ્રિય પત્નીના ચેતનવિહીન દેહ પાસે બેઠેલા બાપુએ જાણીજાણીને ઝેરના ઘૂંટડા પીધા હશે. આગાખાન મહેલમાં પોતાના વિશ્વાસુ સચિવ મહાદેવ દેસાઈનું મૃત્યું ગાંધીજી માટે ધરતીકંપ સમાન હતું ત્યાં તો પત્નીના મૃત્યુએ તેમના જીવનની કરુણતાને તીવ્રતમ બનાવી દીધી. ગાંધી સિવાય બીજું કોણ બે હજાર વર્ષ પહેલાંના ક્રાઇસ્ટના આ શબ્દો બોલ શકત :
                                            'પિતા, શાને છોડ્યો વિજન પથ પે એકલ મને ?'


કનૈયા લાલ મુનશી 
 ગુજરાતી સાહિત્યના નવલકથા ક્ષેત્રે પ્રથમ પદને યોગ્ય રંગદર્શી સાહિત્યકાર અને રાજનીતિજ્ઞ શ્રી ક.મા. મુનશીનો જન્મ ભરૂચમાં થયો હતો. બી.એલ.એલ.બી.થઈ વકીલાત શરૂ કરી સાથે સાથે લેખનકાર્ય પણ શરૂ કર્યું. ભારતવ્યાપી હોમરૂલ ચળવળથી રાજકારણમાં પ્રવેશી કોંગ્રેસી પ્રધાનમંડળમાં મુંબઈ ઈલાકાનું કપરું મનાતું ગૃહપ્રધાનપદ યશસ્વી કામગીરીથી ઉજાળ્યું. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે સ્વતંત્ર ભારત બંધારણ ઘડનારી બંધારણ સભામાં પોતાના કાયદાના જ્ઞાન અને બુદ્ધિથી મહત્વનો ફાળો આપ્યો. દેશી રાજ્યોના વિલીનીકરણ ટાણે હૈદરાબાદ રાજ્યના એજન્ટની કામગીરી ગદ્યસ્વામી તરીકે તેમનું ઉજજવળ પ્રદાન છે. ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’ની નવલયત્રી વડે ગુર્જરભૂમિને નવું પરિમાણ આપ્યું. શ્રી મુનશીએ પોતાની આત્મકથા ખૂબ જ રસીક રીતે લખી છે. સોમનાથ મંદિરના પુન:સ્થાપનમાં શ્રી મુનશીએ ભજવેલી ભૂમિકા અવિસ્મરણીય છે. સંસ્કૃત ભાષાના પુનરુત્થાન માટેના તેમના અથાગ પ્રયોસોએ તેમને આંતરરા‍ષ્ટ્રીય ખ્યાતિ બક્ષી છે. તા. ૮-૨-૧૯૭૧ની ઢળતી સંધ્યાએ તેમણે દેહત્યાગ કર્યો. શ્રી મુનશી સોમનાથના વિધાયકોમાંના એક વિધાનવિદ્ અને રસદર્શી નવલકથાના જાદુગર હતા. 

ડૉ. ઝાકીર હુસેન - અવિસ્મરણીય શિક્ષાશાસ્ત્રી 
 ડૉ. ઝાકીર હુસેનના પિતા ફિદા હુસેનખાં કાનૂની અભ્યાસ માટે પરિવાર સહિત હૈદરાબાદ વસ્યા હતા. ત્યાં ઈ. ૧૮૯૭ના ફેબ્રુઆરી માસની આઠમી તારીખે ઝાકીર હુસેનનો જન્મ થયો હતો. ઈટાવા તથા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એમણે વિદ્યા પ્રાપ્‍ત કરી. ડૉકટરની પદવી મેળવવા તે બર્લિન ગયા હતા.
ઈ. ૧૯૨૦માં ગાંધીજીએ સરકારી શાળા-કૉલેજોનો બહિષ્‍કાર કરવાનું રાષ્‍ટ્રવ્યાપી એલાન આપ્‍યું. ડૉ. હુસેન ત્યારે કાયદાનો અભ્યાસ કરતા હતા. ત્યારે અભ્યાસ છોડી જામિયા મિલિયા ઇસ્માલિયા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં ગાંધીજીને સહાય કરી અને મામૂલી વેતનથી એ સંસ્થામાં જોડાઈ ગયા. ૩૦ વર્ષની વયે તે આ યુનિવર્સિટીના ઉપકુલપતિ બન્યા. બાવીસ વર્ષ સુધી એ સ્થાન શોભાવી એક ઉત્તમ દીર્ઘર્દષ્ટિવાળા શૈક્ષણિક વહીવટદાર તરીકે કીર્તિ સંપાદન કરી. વધારામાં સંસ્થાને કોમવાદના ઝેરથી મુકત રાખવામાં પોતાની રાજકીય અને શૈક્ષણિક કાબેલિયતનો પૂરેપૂરો ઉપયોગ કર્યો.
‘બુનિયાદી શિક્ષણ‘નો વિચાર વહેતો મૂકનાર ગાંધીજીએ આ યોજનાને મૂર્ત કરવાની તમામ જવાબદારી ડૉ. ઝાકીર હુસેન માથે નાખી હતી. ઈ. ૧૯૫૨માં એઓ રાજ્યસભામાં નિયુક્ત થયા. ઈ. ૧૯૫૪માં એમને ‘પદ્મવિભૂષણ‘ના ખિતાબથી વિભૂષિત કરવામાં આવ્યા. ઈ. ૧૯૫૭માં તેઓ બિહારના રાજ્યપાલ બન્યા. ઈ. ૧૯૬૨માં ઉપરાષ્‍ટ્રપતિ તરીકે ચૂંટાયા. ઈ. ૧૯૬૩માં તેમને ‘ભારત-રત્ન‘નું સર્વોચ્ચ સન્માન અપાયું હતું. ઈ. ૧૯૬૭માં તે આપણા દેશના રાષ્‍ટ્રપતિ બન્યા. યુનેસ્કોની કાર્યકારિણીમાં તેમણે ભારતના પ્રતિનિધિ તરીકે ઈ. ૧૯૫૬ થી ઈ. ૧૯૫૮ સુધી કાર્ય કર્યું હતું. ભારતીય સમિતિ, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ સર્વિસ અને વર્લ્ડ યુનિવર્સિટી સર્વિસના તેઓ અધ્યક્ષ હતા.
પોતાના બાગમાં ગુલાબની બસો જેટલી જાતો પોતાને હાથે ઉગાડી પ્રાકૃતિક સૌન્દર્યના પ્રેમી તરીકે તેમણે પોતાનો પરિચય આપ્‍યો હતો. ડૉ. હુસેન વાચનના ખૂબ શોખીન હતા. તેમને કેટલાક ‘ગૌહત્યાના વિરોધી રાષ્‍ટ્રપતિ‘ તરીકે ઓળખાવતા. સત્યનારાયણની કથા પણ તેઓ સાંભળતા. એમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે જેમાં ‘કેપિટાલિઝમ અને એસે ઇન અન્ડરસ્ટેન્ડિન્ગ‘ અનતે હિન્દી ભાષામાં ‘શિક્ષા‘ મુખ્ય છે. તેમણે કેટલાક અનુવાદો પણ પ્રગટ કર્યા હતા. તેઓ જર્મન ભાષા પણ જાણતા હતા. સ્વભાવે શાંત, સરળ, વિનમ્ર અને મૃદુભાષી હોવા છતાં આવશ્યકતા ઊભી થતાં આખાબોલા પણ થઈ શકતા હતા.
અગ્રિમ કેળવણીકાર, ઉમદા દેશભક્ત અને સાલસ સજ્જન તરીકે તેઓ વિશ્વવિખ્યાત થયા હતા. ‘જીવનનું મૂલ્ય નફાતોટામાં અંકાતું નથી પરંતુ આત્માની ખોજ, સેવા કે ત્યાગમાં સમાયેલું છે.‘ આ તેમના જીવનનું સૂત્ર હતું. તેઓ ચુસ્ત ગાંધીવાદી અને બિનસાંપ્રદાયિક હતા.
ઈ. ૧૯૬૯ના મે માસની ત્રીજી તારીખે, રાષ્‍ટ્રપતિપદ પર હતા ત્યારે જ, બહેશ્તનશીન થયા.