બ્લોગને અલગ અલગ ભાષામાં જૂઓ

આ બ્લોગને બીજી ભાષામાં જોવા માટે ફ્લેગ પર ક્લીક કરો
ArabicBlogger Tips And Tricks|Latest Tips For BloggersFree BacklinksBlogger Tips And Tricks Korean Japanese Chinese Simplified
Russian Portuguese English French
German Spain Italian Dutch

ગુજરાતની હેરિટેજ હૉટેલ - શાહી નિવાસ

વિજય-વિલાસ પેલેસ – પાલિતાણા


તમે પાલિતાણા જૈન-મંદિરનાં દર્શને જતાં હો અને રસ્તામાં આ ભવ્ય પેલેસમાં જો રોકાણ કર્યું હોય તો અહીંની સ્મૃતિ એક અકથનીય અનુભવ કરાવે તેવો છે. વિજય-વિલાસ પેલેસ 1906માં રાજા વિજયસિંહજી ગોહિલ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો, તે સમયે પાલિતાણા એક રજવાડું હતું. પરંતુ અહીંના શેત્રુંજીની પર્વતમાળા પર મુગટમણિની જેમ શોભતા વિશ્વ-વિખ્યાત જૈન-મંદિરોનાં કારણે તીર્થાટન માટે ઘણું પ્રસિદ્ધ હતું.
આજે અહીં આ પેલેસમાં છ વિશાળ રૂમ્સને એન્ટિક શૈલીમાં સજાવવામાં આવ્યા છે, જેમાં મહદ્ અંશે યુરોપીયન છાંટ વર્તાઈ આવે છે – પાલિતાણા મંદિરથી નજીક જ આવેલો હોવાથી પેલેસના રોકાણ દરમિયાન પ્રવાસન અને તીર્થાટન બંનેનો સુભગ સમન્વય થઈ શકે છે. – અહીં જૈન તેમજ જૈનેતર સહેલાણીઓ માટે વિશાળ ડાઇનીંગ હોલમાં વિવિધ પ્રકારના ભોજનો તૈયાર થાય છે તે અહીંની ખાસિયત છે. અહીંનાં રોકાણ દરમિયાન સહેલાણીઓ જૈન મંદિર ઉપરાંત ભાવનગર નજીકનું વેળાવદરનું કાળિયાર-અભયારણ્ય તેમજ શિહોર તથા ભાવનગર પાસેના શિપબ્રેકિંગ યાર્ડ અલંગની મુલાકાત લઈ શકો છો.

રાજપીપળાનો રાજવંત પેલેસ 


1915માં મહારાજા વિજયસિંહજી દ્વારા કરજણ નદી કિનારે નિર્માણ પામેલા આ રાજવંત પેલેસ કોઈ અંગ્રેજ-કાળની ભવ્ય ઇમારત હોય તેવો દેખાય છે. કોઈ યુરોપિયન મેન્સન જેવા આ પેલેસને રોમન ડૉમ-ગુંબજ છે. ગ્રીક જાળીઓ, તેમન વેનેશિયન દ્વાર અને તેનાં પર સુંદર કમાન એક નયનરમ્ય સ્થાપત્ય રજૂ કરે છે – અહીંનાં રાજવીઓનો વિશાળ તૈલચિત્રો, ઝુમ્મરોનો ઝગમગાટ અને આલીશાન શાનોશૌકત આંખોને આંજી દે તેવી છે.
આ પેલેસનાં ઘણા વિશાળ રૂમ્સ છે જેમાંથી અમુક રૂમ્સ અંગત મ્યુઝિયમ તેમજ રાજવીઓની શૌર્યગાથા ગાતી ટ્રોફીઓ તેમજ વિજય-અમરામ તેમજ આખેટનાં શિકારની ગાથાઓ કહેતા હિંસક પશુઓનાં મસ્તક માટે સાચવી રાખ્યા છે – અન્ય રૂમ્સમાં નયનરમ્ય રીતે રાચ-રચીલું ગોઠવવામાં આવ્યું છે. જે સહેલાણીઓ માટે છે અને અહીંની સગવડો અત્યંત આધુનિક કક્ષાની છે. પેલેસમાં એક સુંદર રેસ્ટોરન્ટ છે જેમાં વૈવિધ્યપૂર્ણ વાનગીઓ મળે છે. આ ઉપરાંત કોન્ફરન્સ, બેન્કવેટ તેમજ કાર્યક્રમ કરવા માટે પણ હૉલની ખાસ સગવડો છે.
અહીં સહેલાણીઓ માટે એક આદિવાસી ગ્રામ્ય શૈલીને પ્રદર્શિત કરતું સુંદર મ્યુઝિયમ છે, જેમાં એક સાંસ્કૃતિક કેન્દ્ર પ્રવૃત છે. રાજપીપળાનાં રાજવંત પેલેસનાં રોકાણ દરમિયાન તમે નજીકનાં નર્મદા કિનારે વસેલા ચાણોદ-કરનાળીમાં પવિત્ર સ્નાનનું પુણ્ય પામી શકો છો.તો અહીંથી નારેશ્વર ગરુડેશ્વર તેમજ ડભોઈની મુલાકાત પણ તમે લઈ શકો છો.


વાંકાનેરની ધ રોયલ રેસિડન્સી એન્ડ ધ રોયલ ઓએસીસ હેરિટેજ હોટલ


અમદાવાદથી રાજકોટના રાજમાર્ગ પર વાંકાનેરનો ફાંટો આવે અને તમારું વાહન કચ્છ-ભુજનો રસ્તો પકડે એટલે થોડા જ અંતરે વાંકાનેરનો રજવાડી ઠાઠ ર્દશ્યમાન થાય. અહીં એકમાત્ર પેલેસ નથી પરંતુ પાંચ-પેલેસોનું વિશાળ સંકુલ છે. લગભગ 13 એકર જેટલા વિસ્તરેલા ફળોના બગીચા મધ્યે, અહીંની મચ્છુ નદી પર નિર્માણ પામેલા આ મુખ્ય રંજીત-વિલાસ પેલેસ અહીંનાં અંતિમ રાજવી મહારાજા રાજશ્રી અમરસિંહજી દ્વારા નિર્માણ પામ્યો. અહીં એક વિશાળ મ્યુઝિયમ જે રાજવીઓની ભેટ સોગાદો તેમજ કીમતી અસબાબને પ્રદર્શિત કરે છે તેમજ 1921 ના મોડલ રોલ્સ રોયસ્ સિલ્વર-ઘોસ્ટ કાર સહેલાણીઓના ચહેરા પર રજવાડી ચમકનું નૂર પ્રતિબિંબિત કરાવી દે છે – અહીંનાં કાઠિયાવાડી નસ્લનાં અશ્વની અશ્વશાળા પણ રોમાંચિત કરે તેવી છે. વૈભવ બાથરૂમ ઉપરાંત સ્વિમિંગપુલ પણ છે વાંકાનેરના પેલેસનેદેશન ‘પ્રથમ હેરિટેજ હોટલ‘નું બિરૂદ મળ્યું છે.
1882માં નિર્માણ પામેલા ‘ધ રોયલ રેસિડન્સી‘માં બાર જેટલા રોયલ-સ્યૂટસને આધુનિક સગવડો તેમજ રાજવી શૈલીનાં ઇન્ટિરીઅરથી સજ્જ કરવામાં આવ્યા છે. – અહીંની વિશેષતા એ છે કે આ પ્રત્યેક બાર રોયલ-સ્યૂટને એક વિશેષ નામથી ઓળખવામાં આવે છે. જેમકે ‘વાઇસરૉય‘, ‘ધ ડ્યુક ઑફ કોમટ‘, ‘જ્વેલર જેકી કાર્ટર‘, (ગાંધીજીનાં પિતાશ્રી) ‘કરમચંદ‘, અને ‘દેશના પ્રથમ ગવર્નર જનરલ‘. કારણ આ સઘળા મહાનુભાવો વાંકાનેરના રાજવીઓનાં નજીકના મિત્રવર્તુળમાં હતા. અહીંનું અનન્ય ઇન્ડોર-સ્વિમિંગપુલની મઝા માણવા જેવી છે. આ પેલેસનાં પણ બાર સ્યૂટસ્ છે, જે ‘જ્વેલ ઇન ધ કાઉન‘ જેવા રાજવી ઘરાનાની શાનોશૌકતની યાદ અપાવે તેવા છે. અહીં નજીકમાં 20મી સદીની ત્રણ મજલાની આરસનાં પથ્થરોની બનેલી ‘વાવ‘ જોવાલાયક છે.


ઓલ્ડ-બેલ ગેસ્ટ હાઉસ – સાયલા


અમદાવાદ-રાજકોટ હાઈવે પર 135 કિ.મી.નાં અંતરે લીમડી બાદ તમારું વાહન એક વળાંક પર આવે અને નજર સમક્ષ ઑલ્ડ બેલ ગેસ્ટ હાઉસનું વિશાળ બોર્ડ દેખાય એટલે સમજી લેવું જૂનું રજવાડું સાયલા આવી ગયું.
1751માં શેષમલજીએ આ ભોમકા પર પોતાનું રાજ કર્યું. અહીંના રાજવીઓના દરિયાવદિલીનાં પ્રતીકરૂપે અહી બ્રિટિશરો તેમજ રાજવીઓની મહેમાનગતિ માટે નિર્માણ કરવામાં આવેલા ઓલ્ડ-બેલ ગેસ્ટ હાઉસની ભવ્યતા તમને આંજી દે તેવી છે. સાયલાથી થોડે દૂર હાઈ-વેને અડીને આવેલા આ ઓલ્ડ-બેલ ગેસ્ટ હાઉસ આજે એક હેરિટેજ હોટલનો દરજ્જો ધરાવે છે. જે 23 એકરના વિશાળ લેન્ડસ્કેપની મધ્યમાં છે. અહીંના રાજકુંવર સોમરાજસિંહ જણાવે છે કે અહીંની વિશેષતા છે આસપાસનુ; પ્રાકૃતિક વાતાવરણ, દૂર સુધી ફેલાતો ઉદ્યાન તેમજ કુંજર લોનની મધ્યે વિશાળ શતરંજ અને વચ્ચોવચ્ચ એક ફુવારો.
ઓલ્ડ-બેલ ગેસ્ટ હાઉસમાં દસ વાતાનુકુલિત રૂમ્સ છે જે આધુનિક સગવડોથી સજી છે. અહીંનાં વિશાળ ડાઈનિંગ હોલમાં તમને ઉત્તર તેમજ દક્ષિ‍ણ ભારતીયની સાથોસાથ ગુજરાતી-કાઠિયાવાડી થાળી તેમજ કોન્ટિનેન્ટલ તથા ચાઈનીઝ ફૂડ પણ ઉપલબ્ધ છે.
અહીંના રોકાણ દરમિયાન તમે નજીકમાં ચોટીલાનાં ચામુંડાદેવીનાં દર્શને તેમજ સાળંગપુરના હનુમાનના મંદિરે દર્શનાર્થે જઈ શકો છો – નળસરોવર તેમજ લોથલ પણ અહીંથી નજીકમાં જ છે. આ હેરિટેજ-હોટલનાં સંચાલકો અહીંથી નાનકડી ટૂરમાં આ સઘળાં જોવાલાયક સ્થળોની મુલાકાતનું આયોજન ગોઠવી શકે છે.


રિવર સાઇડ પેલેસ – ગોંડલ


19મી સદીમાં ગોંડલ તેના વિશાળ રાજમાર્ગ ઉચ્ચતમ શિક્ષણ, કાર્યક્ષમ વીજળી વ્યવસ્થા તથા ઉત્કૃષ્ટ સંદેશા વ્યવહારમાં દેશના અન્ય રાજ્યો કરતાં 50 વર્ષ અગ્રેસર હતું. આજે પણ તેનો આ ભવ્ય ભૂતકાળ ગોંડલમાં પ્રવેશો એટલે તમારી નજર સમક્ષ ર્દષ્ટિમાન થયા વિના ન રહે અહીં સ્થિત ‘રિવર સાઈડ પેલેસ‘ હેરિટેજ હોટલનું એક શાનદાર છોગું છે. ફક્ત અગિયાર રૂમ્સ ધરાવતા તથા પ્રત્યેક રૂમમાં એક સામ્ય ધરાવતું એન્ટિક રાચરચીલું, બ્રાસનાં પલંગ તથા રજવાડી તૈલચિત્રોથી ઓપતો મહેલ ગોંડલની ગરિમા છે. ગોંડલના સુવર્ણકાળમાં તે સુગંધસમાન હતો. અહીંનો નવલખા મહેલ 17મી સદીમાં નવ લાખના માતબર ખર્ચે મહારાજા સંગ્રામસિંહજી દ્વારા નિર્માણ થયો હતો.
આ નવલખા મહેલની ભવ્ય ટાવર-ઘડિયાળ તથા તેની પશ્ચાદભૂમાં રાજાજીને વારે-તહેવારે સોના ચાંદીથી તોલીને તે સોના-ચાંદીને દાનમાં ધરી દેવાની પરંપરા હતી. તે રાજાની શૂરવીરતાની સાથે દાનવીરતાની ગાથા કહેતી વિશાળ તુલા આજે પણ મહેલની ભવ્યતામાં માનવતાની મહેક રેલાવતી જણાય છે.
અહીં મુલાકાતે આવતા સૌ સહેલાણીઓ સાથે વારસદારો ખાસ એક ભોજન તથા ચા-નાસ્તાનું આયોજન કરે છે, જેમાં તેઓ પણ સામેલ થાય છે જેથી સહેલાણીઓ રાજવી છટાનો સ્વાનુભવ લઈ શકે. અંગત માલિકીની બત્રીસ વિન્ટેજ કાર તથા અન્ય કલાસિક પુરાણીકાર અને અશ્વો દ્વારા ખેંચાતી કેરિઅર તથા રેલવેના સલુન્કાર પણ વારસો ઘણાં સહ્રદયથી દર્શાવે છે. ગાંધીજી જ્યારે દાંડી યાત્રા માટે આશીર્વાદ લેવા અહીં પધાર્યા ત્યારે પ્રથમવાર ‘મહાત્મા‘નું બિરૂદ આપનાર તેઓ જ હતા....જે જૂજ વ્યક્તિઓ જાણે છે....‘આ હકીકત જણાવતાં મહારાણી કુમુદકુમારીની આંખોની ચમક રાજવી ઘરાનાની યાદ તાજી કરાવી જાય છે.


દરબાર ગઢ – પોશીના 


બારમી સદીમાં ગુજરાત અને મધ્યભારતમાં રાજ કરનાર ચાણક્યના વંશજો દ્વારા અરવલ્લીની તળેટીમાં નિર્માણ કરવામાં આવેલા આ દરબારગઢના સ્થાપત્યમાં કલાત્મક સ્થંભ અને ઝરૂખાની વિશેષ બાંધણી નયનરમ્ય લાગે તેવી છે.
સત્તરમી સદીમાં આ પોશીનાનાં દરબારગઢનું નિર્માણ કરવામાં આવ્યું. જેનો વિશાળ દરબાર હોલ તેમજ 15 જેટલા રાજવી-શૈલીનાં રૂમ્સનો અસબાબ અહીં આવતા સહેલાણીઓને પ્રસન્નો કરી મૂકે તેવા છે – અહીંથી તમે ખેડબ્રહ્માનાં બ્રહ્મામંદિર, તેમજ અંબાજીમાં મંદિરનાં દર્શન ઉપરાંત કુંભારિયાનાં જૈન મંદિરોનાં તિર્થાટન પ્રવાસ યોજી શકો છો – આ ઉપરાંત અહીંની બ્રહ્માવાવની કલા-કોતરણી પણ અદ્દભુત છે. અહીં પોશીના દરબારગઢનાં રોકાણ દરમિયાન તમને આયોજકો આસપાસનાં ભીલ તેમજ ગરાસિયા કોમની વસ્તી ધરાવતાં નાના-નાના ગામોની વિલેજ સફારીમાં તમે ઊંટ ઉપર તેમજ ઊંટગાડીમાં સવારી અને સહેલ માણી શકો. તેમજ તેઓનો હસ્ત-કલા ઉદ્યોગની ઝાંખી કરાવવાની ખાસ ગોઠવણ કરી આપે છે જે તમારા અહીંના રોકાણ દરમિયાનનું અનેક સંભારણું બને તેવી છે. ઉપરાંત સ્થાનિક આદિવાસી લોકો સાથે લોકનૃત્યની મજા પણ માણી શકો છો.


  બાલારામ પેલેસ રિસોર્ટ


બનાસકાંઠા જિલ્લાના બાલારામના રમણીય પ્રાકૃતિક લેન્ડસ્કેપ પર હજી શહેરીકરણની પ્રદૂષિત હવાનો સ્પર્શ નથી થયો. અમદાવાદ-પાલનપુરનાં માર્ગ પર ફંટાઈને બાલારામના રસ્તે વળો એટલે અહીંના વાતાવરણની શીતળતા તમને પ્રસન્નનતાનો અહેસાસ કરાવી જાય.
17 જેટલા રોયલ-સ્યૂટ કક્ષાના રૂમ્સ ધરાવતા બાલારામ પેલેસને દૂરથી જોતા જ એક ભવ્યતાનો અનુભવ થયા વિના ન રહે, અને તેમાં પણ આ પેલેસની આસપાસ મેક્સિકન ગ્રાસની લોનની હરિયાળી તથા નાની-મોટી પગથી તથા પગથિયા પર વિભિન્નક રંગી ખીલેલાં પુષ્પોનું રંગીન સંયોજનો તથા વિવિધ ફૂલ-છોડની ક્યારીઓની ભૌમિતિક રચનાઓ જોતા જ લાગે કે અહીં ઉદ્યાની માવજતમાં અંગત રસ લઈને નવાબી ટકાવી રાખવાના આશયનો સફળ પ્રયાસ છે. ઉદ્યાનનાં એક છેડે મ્યુઝિક સિસ્ટમની સગવડ રાખી છે. ઉપર એક નાનકડી ટેકરી પર વિશિષ્ટછ સ્વિમિંગ પુલ બનાવવામાં આવેલો છે. પાલનપુરના નવાબે આજથી વર્ષો પહેલાં આ સ્વિમિંગપુલની રચના એ રીતે કરાવી હતી કે ડુંગરામાંથી ખળખળ વહેતું ઝરણાનું પાણી અહીં સ્વિમિંગ-પુલમાં સીધું જ પ્રવેશે અને વધારાનું પાણી ઓવરફ્લો થઈ નીચે વહેતી નદીમાં ભળી જાય. બાલારામ પેલેસ હેરિટેજ હોટલમાં એક કલાત્મક બેન્કવેટ હોલ (Banquet hall), આધુનિક હેલ્થ-ક્લબ, તથા અનેક ઇન્ડોર-ગેમ્સની સગવડ ઉપલબ્ધ છે, અહીંના રોયલ રૂમ્સની સાથે એક વિશિષ્ટે-સવલતો ધરાવતો ‘નવાબી-સ્યૂટ‘ પણ છે, થોડાં વર્ષો પહેલાં ‘સૂર્યવંશી‘ના શૂટિંગ દરમિયાન, અમિતાભ બચ્ચન આ રૂમ્સનાં ઇન્ટિરિઅર તેમજ ઠાઠમાઠ જોઈ પ્રભાવિત થયઈ ગયા હતા.
બાલારામ રિસોર્ટથી નજીકના પાલનપુર ગામ ગુજરાત રાજસ્થાન સીમા પરનું છેલ્લું શહેર છે – જે હીરાઉદ્યોગ માટે જાણીતું છે. નજીકમાં આવેલું જેસોરનું રીંછનું અભ્યારણ્ય જોવા-લાયક છે તો ગુજરાતનું મોટામાં મોટું શક્તિતીર્થ અંબાજી અને તેની પાસેના કુંભારિયાનાં જૈન દેરાસરોના દર્શને પણ અહીંથી જઈ શકાય છે.


  ભવાની વિલા – દાંતા  


અરવલ્લીની પથરાળ તળેટીમાં આવેલું રજવાડું દાંતા પરમાર-રાજપૂત રાજવીઓનાં શાસન હેઠળ હતું. સિંધથી બારમી સદીમાં આવેલા રાજપૂત રાજાઓએ આ પ્રદેશને રાજસ્થાન-ગુજરાતની સરહદને કારણે ઘણું મહત્વનું સ્થાન આપ્યું .અહીંની ભવાની વિલા પેલેસ આમ તો મોગલ કે રાજપૂત રાજવીઓની નહીં પરંતુ કોલોનિઅલ પિરિયડની યાદ તાજી કરાવે તેવા આધુનિક સ્થાપત્યમાં નિર્માણ પામ્યો છે.
બ્રિટિશ રાજનો કોઈ ‘મેનસન‘ હોય તેવી તેની બાંધણી એક નાનકડી ટેકરી પર હોવાના કારણે અહીંનાં રૂમ્સમાંથી નયનરમ્ય ર્દશ્યો દેખાય છે. બ્રિટિશ રાજની યાદ અપાવતા ચાર વિશાળ સ્યૂટ ધરાવતી આ હેરિટેજ હોટેલ્સનું ઇન્ટિરિઅર આકર્ષક અને એન્ટિક શૈલીનું છે. અહીંનાં રોકાણ દરમિયાન સહેલાણીઓને અશ્વ-સવારી તેમજ અશ્વ-સફારી બંનેનો આનંદ માણવા મળે છે – આ ઉપરાંત અહી;ના રાજવીઓ અહીં જીપ-સફારીનું આયોજન પણ કરે છે. આસપાસનાં પ્રાકૃતિક વાતાવરણમાં ‘બર્ડવોચિંગ‘નો આનંદ પણ સહેલાણી માણી શકે છે. ટ્રેકિંગ કરવાની સગવડ પણ અહીં છે.
અહીંના હાઇનીંગ-હોલમાં તમે ગુજરાતી તેમજ રાજસ્થાની બંને પ્રકારનાં ભોજનની વાનગીઓ માણી શકો છો. તો 108 એકરમાં વિસ્તરેલા આ સંકુલમાં દાંતાના મહારાજાનાં રજવાડી શોખને પોષવા અશ્વશાળા તેમજ ‘સ્ટડ‘ પણ છે. જ્યાં મારવાડી નસ્લનાં જાતવાન અશ્વો છે.
અહીંથી તમે બારમી સદીમાં નિર્માણ પામેલા તારંગાના પ્રાચીન અજિતનાથ જૈન મંદિર, તેમજ કુંભારિયા જૈન મંદિર તથા અંબાજીનાં મંદિરનાં દર્શનનાં તિર્થાટન પણ આયોજિત કરી શકો છો. અહીંથી ઐતિહાસિક વડનગરની મુલાકાત પણ ગોઠવી શકાય તેમ છે. આ ઉપરાંત જેસોરના રીંછ-અભયારણ્ય જોવા પણ જઈ શકાય છે.


બાલાસિનોરનો વિખ્યાત ગાર્ડન પેલેસ 


વિશાળ ફળોના બગીચા તેમજ ખેતરોની મધ્યે નિર્માણ પામેલા ગાર્ડન પેલેસને નિહાળીને અહીંના નવાબની સૌંદર્યપ્રીતિ તમને પ્રફુલ્લિત કરી દેશે. આ પેલેસનો નવાબ સાહેબ ‘ઓચાર્ડ હાઉસ‘ તરીકે ઉપયોગ કરતા. 1883માં નવાબસાહેબ મનોવાર ખાનજી બાબી દ્વારા નિર્મિત આ પેલેસની ખાસિયત છે તેનાં એન્ટિક કાષ્ઠિનાં નકશીદાર ફર્નિચરની ગોઠવણી અને તૈલચિત્રો તેમજ ઝુમ્મર-ગાલીચાની ઉચ્ચક્ક્ષાની પસંદગી અને સજાવટમાં. તમે ગાર્ડન-પેલેસનાં ડાઇનિંગ રૂમમાં કે દીવાનખંડમાં પ્રવેશે તો અહી;ના નવાબની કલાત્મક સૂઝ જોઈને મુગ્ધ બની જાઓ. આજે પણ આ ગાર્ડન પેલેસમાં નવાબ-સાહેબ એમ સલામત ખાન બાબી સપરિવાર રહે છે, અને આ હેરિટેજ હોટલનું અંગત દેખરેખમાં કુનેહપૂર્વક દક્ષતાથી સંચાલન કરે છે.
આ ગાર્ડન પેલેસ હેરિટેજ હોટલમાં આઠ રોયલ સ્યૂટ છે જેમાં ચારને પૂર્ણતઃ વાતાનુકુલિત કરવામાં આવ્યા છે. અહીંનાં રોકાણ દરમિયાન એક વિશિષ્ટક લાભ સહેલાણીને મળે છે અને તે છે અહીંની અંગત દેખરેખ હેઠળ બનતી નવાબી વાનગીઓનો, એટલું જ નહીં અહીંનાં નવાબી ફળોનાં બગીચા તેમજ ખેતરમાં જ પકાવેલા ફળ-શાકભાજી તેમજ નવાબની પેલેસ-ડેરીનું દૂધ ખાસ સહેલાણીઓને ભોજનમાં પીરસવામાં આવે છે.
અહીંના રોકાણ દરમિયાન તમે ‘ડાયનોસોર પાર્ક‘ની રોમાંચિત સફરનો આનંદ લૂટી શકો છો. જ્યાં ડાયનોસોર-ફોસિલ્સ તેમજ તેનાં ઇંડાંને પ્રદર્શિત કરવામાં આવ્યા છે – અહીં એક અન્ય પ્રાગૈતિહાસિક જાનવર જે 30 ફૂટ લાંબું હતું તે કોર્નિર્વાર રાજાસોરસ નર્મડોન્સીસનાં ફોસિલ્સ જોવા લાયક છે.


હાઉસ ઑફ મંગળદાસ ગિરધરદાસ – અમદાવાદ
 


ગુજરાતની ગરિમાને ઉચ્ચકક્ષાએ લઈ જનાર શેઠ મંગળદાસ પારેખના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. અમદાવાદને માંચેસ્ટર બનાવનારમાં ફાળો આપનાર શેઠ મંગળદાસના ઇન્ડો-યુરોપિયન સ્ટાઇલનાં રહેઠાણને આજે હેરિટેજ-હોટલનો દરજ્જો મળી ચૂક્યો છે. શહેરના હ્રદય સમા વિસ્તારમાં સીદી સૈયદની જાળીની સામે જ આવેલા આ વિશાળ મેન્સનની ભવ્યતા તેનાં પ્રાંગણમાં પ્રવેશતાં જ અનુભવી શકાય છે.
આજે અહીં દસ કલાત્મક રૂમ્સમાં રહેવાની અત્યંત આધુનિક સગવડો ઉપલબ્ધ છે. પુરાણી શૈલીનાં ફર્નિચરની અસલિયત જાળવીને, તેમજ વર્ષો જૂનાં અસબાબનો ઠાઠ અને ઠસ્સો એવોને એવો જ રાખીને આરામદાયક રૂમ્સની જાહોજલાલી સહુને પ્રસન્‍ન કરી દે તેવી છે – સાગમાં નકશીદાર ટેબર પર આરસનો તરાશેલો ટૉપ, શાહી બેઠક વ્યવસ્થા, નગરશેઠનાં ગૃહને શોભે તેવો પિત્તળની મોર-પોપટની સાંકળ ધરાવતો સીસમનો બેઠકદાર હીંચકો. તેમાં ઇટાલિયન કાચ અને ‍િસરામીક્સની નયનરમ્ય ગૂંથણી, સર્પાકાર દાદર, અને રૂમ્સમાં ઝુમ્મર તેમજ શાહી નકશીદાર ટેબલ ખુરશીઓ સહેલાણીઓને ખુશ કરી દે તેવા છે.
અહીંની ખાસિયત છે ‘અગાશિયે‘ આ ટેસેસ-પર આવેલો વિશાળ ડાઈનિંગ હોલ ગુજરાતી વાતાવરણને રજૂ કરે છે. તો આ હેરિટેજ હોટલના પ્રાંગણમાં આવેલો ગ્રીન-હાઉસ‘નાં નાસ્તાની રંગત કાંઈ ઓર જ છે – નામ પ્રમાણે જ અહીં ઇન્ડોર-પ્‍લાન્ટ્સની સજાવટમાં આધુનિક બેઠક વ્યવસ્થામાં તમે મન મૂકીને નાસ્તાની મઝા માણી શકો છો. અહીં તમને લૉન્જમાં વેસ્ટર્ન-વાનગીઓ પણ ઉપલબ્ધ છે. અહીંના કોન્ફરન્સ અને બેન્કેટ લૉન્જ કોર્પોરેટ વર્લ્ડ માટે ઘણી સગવડદાયક છે તો વિશાળ રીડીંગ ક્લબ અને મૂવી-ક્લબ એ અહીંની વિશેષતા છે.


ઈસ્લામિક યુગની યાદ અપાવતો લોથલનો ઉલેટિયા પેલેસ

 
અમદાવાદ-ભાવનગર હાઇવે પર અમદાવાદથી લગભગ 78 કિ.મી.ના અંતરે ડામરનો રસ્તો વળાંક લઈને કાચા રસ્તે ઉટેલિયા નામના નાનકડા ગામ તરફ દોરી જાય છે. આ નાનકડા ગામમાં એક ભવ્ય મહાલય વૃક્ષોની આડશમાં ધીરે ધીરે ર્દષ્ટિગોચર થાય છે એક ભવ્ય પ્રાસાદ – તેની સ્થાપત્ય કળા ભારતીય – મોગલ સમયકાળની છે, જેના ખાસ પ્રકારના ઇસ્લામિક યુગની યાદ અપાવતા ગુંબજો, પ્રવેશદ્વાર પર કાષ્‍ટની નકશીદાર કોતરણી, કલાત્મક થાંભલીઓ, વેભવી ઝરૂખાઓ તથા વિશાળ કમાનદાર પ્રવેશદ્વાર પરનું સ્થાપત્ય ભવ્ય પ્રાસાદની શાનમાં રોનક બક્ષે છે. અહીં પ્રાસાદ તરફ એક નજાકતભર્યો વળાંક લેતા વિશાળ આરસના પગથિયાં ઝગમગાટ ધરાવતાં મુખ્ય ઓરડામાં લઈ આવે છે. અહીંથી કલાત્મક કોરિડોર દ્વારા એક નકશીદાર દ્વારની બહાર આવો એટલે સજાવેલા તમને 14 ડબલ બેડરૂમ આવકારતા જોવા મળે છે. એટેચ્ડ બાથરૂમ ગરમ-ઠંડા પાણીની ચોવીસ કલાક સગવડ જેમાં, શાવર સાથે અત્યાધુનિક ટોઈલેટની સજાવટ નીરખીને તમને મહાનગરની કોઈ પંચતારક હોટલની યાદ આવી જાય....તો રૂમમાં ભારતીય પરંપરાની રજવાડી યાદ તાજી કરાવતા છત્ર-પલંગના નકશી તથા કીમતી રંગીન પથ્થર-જડિત કાચથી સુશોભિત પલંગ અને બેઠક વ્યવસ્થા તમને મંત્રમુગ્ધ કરે છે.
આ સર્વમાં આકર્ષક તથા હ્રદયને ઝંકૃત કરે તેવી બાબત છે દરેક રૂમને એક પોતીકો અંગત-ઝરૂખો....જે પાસે વહેતી રમ્યઘોષ, ભોગાવો પર જાણે ઝળૂંબતો હોય તેમ લાગે. ઝરૂખેથી તમને નદી કિનારો અનેક સારસ-સારસી તથા વિવિધ ક્રેન, ઇગ્રેટ, કિંગફિશરની ચહલ-પહલ ર્દશ્યમાન થાય. આ ઉપરાંત તમે અહીં આવો એટલે કાઠીના અશ્વ પર સવારી કરી (વિલેજ સફારી) પ્રાકૃતિક સાંનિધ્યની મઝા પણ માણી શકો છો. શણગારેલા બળદગાડા પણ અહીં પ્રાપ્‍ય છે આપને સવારીનો અદકેરો આનંદ કરાવવા. ઉપરાંત પક્ષીપ્રેમીઓ માટે નળસરોવર તથા નૌકાવિહાર પણ છે. કુદરતની સાથે સાથે ઇતિહાસમાં દિલચશ્પી ધરાવતા સહેલાણીઓ માટે ફક્ત 7 કિ.મી.ના અંતરે લોથલ ગામે 2400-1600 ઈ.સ. પૂર્વેની આપણી ‘ઇન્ડસ-વેલી‘ સંસ્કૃતિના ઐતિહાસિક અવશેષો તથા નગર રચનાની ઝાંખી તો ખરી જ. આ સર્વેની મઝા માણીને થાકીને જ્યારે ઉટેલિયાની હવેલીમાં પુનઃ પધારો તો તમારા માટે પઢાર કોમના માછીમારો તથા ભરવાડ જ્ઞાતિના ભાવુક ગ્રામજનો દ્વારા લોકસંગીત તથા લોકગીતોના હળવા આસ્વાદની સાથે ભવ્ય દરબારમાં બેસીને શાહી ભોજનનો સ્વાદ માણવો તે કોઈ રજવાડી ઠાઠ-માઠથી ઓછો આનંદ ગણાય ?


ભાવનગરની શાન સમો નીલમબાગ પેલેસ


ભાવનગર મધ્યે આવેલ નીલમબાગ મહેલની વિશેષતા તેની કલાત્મક બાંધણીમાં છે અને આ હેરિટેજ – હોટલમાં વિશ્વકક્ષાની પંચતારક હોટલની સર્વ સગવડો ઉપલબ્ધ છે. નીલમ બાગ મહેલ 1895માં વિલિયમ ઇમર્સન જેવા પ્રસિદ્ધ સ્થપતિ દ્વાર નિર્માણ પામ્યો જેઓએ અનેક ભવ્ય ઇમારતો ઉપરાંત મુંબઈની ક્રાફર્ડ માર્કેટ તથા કલકત્તાની પ્રસિદ્ધ વિક્ટોરિયા મેમોરિયલ જેવી કલાત્મક ઇમારતોનું નિર્માણ કર્યું છે. આ મહેલની આસપાસ ચાલીસ હજાર ચોરસ ફૂટમાં નયનરમ્ય હરિયાળી તથા બગીચાનું સર્જન કરવામાં આવ્યું છે. ચોતરફ ફુવારાથી ઘેરાયેલા આ મહેલના પ્રવેશદ્વારે એક પુરાણી તોપ સજાવેલી છે.
વિશાળખંડમાં પ્રવેશો એટલે કલાત્મક રંગીન, આદમકદના શાહી તૈલચિત્રો, એન્ટિક રાચરચીલું, નકશીદાર મેજ તથા ખુરશીઓ ઉપરાંત મસાલા ભરેલા હિંસક પ્રાણીઓના તગતગતાં શરીર અનેક આખેટની યાદ અપાવતી વિવિધ સામગ્રીઓ. તમને એક પ્રાચીન સમયની યાદથી સભર કરે છે.
આ ત્રણ મજલાના ભવ્ય પ્રસાદમાં 23 ડબલરૂમ બે સ્યૂટમાં વાતાનુકૂલિત અદ્યતન સગવડો સાથે શાહી રાચરચીલું પોતાનું આગવું અસ્તિત્વ તેનું ગૌરવ ટકાવીને કલાત્મક રીતે ગોઠવાઈ ગયું છે. ભવ્ય ડાઈનીંગ હોલમાં બર્માટીકના નકશીદાર વિશાળ મેજ પર ઝૂલતાં ક્રિસ્ટલના ઝુમ્મરો હજી પણ રજવાડીના શાનની ઝિલમિલ યાદ અપાવી જાય છે. જોકે અહીં બહાર ઠંડી હરિયાળીમાં ટેબલ સજાવીને ડિનર લેવાનો ચાર્મ અનેક વિદેશીઓને દાઢે વળગેલો છે, અને શીતખંડના વિદેશીઓ મહદઅંશે તે પ્રમાણે રાત્રિનું ભોજન આયોજે છે. પરંતુ નીલમબાગ મહેલની સાચી ચમક તો છે તેના રોમન-બાથના સ્થાપત્યને ધ્યાનમાં લઈને મોઝેઈકના પગથિયાં તથા ફરસથી સજાવેલા સ્વિમિંગ પુલમાં. આ સ્વિમિંગ પુલ દેશના અનેક ઉચ્ચકક્ષાના સ્વિમિંગ પુલની સરખામણીમાં એક આગવું અને વિશિષ્ટસ સ્થાન ધરાવે છે. તરવાનું સહજ ન હોય તેવા સહેલાણીઓ પણ આ શાહી સ્નાન-કુંડમાં ડૂબકી લગાવી ભવ્યતાની પળોને માણે છે. જંગલના શોખીનો માટે જીપ-સફારી તથા નજીકના કાળિયાર વેળાવદર નેશનલ પાર્કની રોમાંચકારી સફર સુલભ છે.


કચ્છનો વિજયવિલાસ પેલેસ અને બીચ રિસોર્ટ

 
કચ્છ જિલ્લામાં માંડવીમાં બીચ છે જે ગુજરાતનો અને સંભવત દેશનો એક માત્ર પ્રાઈવેટ બીચ છે. ઉનાળાના દિવસોમાં ગરમીથી બચીને દરિયાકિનારાના ઠંડા વાતાવરણમાં રહેવા 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ માંડવી શહેરથી આઠ કિ.મી. દૂર વિજયવિલાસ પેલેસ બનાવ્યો હતો. આ પેલેસ અને તેના વિશાળ કમ્પાઉન્ડમાં હવે માંડવી પેલેસ રિસોર્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ રિસોર્ટમાં બે કિ. મી. લાંબા ખાનગી બીચનો પણ સમાવેશ થાય છે.
આ પેલેસને ઇ. 2001માં થયેલા ભૂકંપથી સામાન્ય અસર થઈ હતી. તે કારણે હેરિટેજ હોટેલ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ આ સ્થળને બીચ રિસોર્ટ તરીકે વિકસાવવામાં આવ્યું છે. બહાર ખૂબ જ સુંદર દસ એરકન્ડીશન્ડ લકઝરી ટેન્ટ બાંધવામાં આવ્યા છે. આ ટેન્ટમાં ફાઇવ સ્ટાર હોટેલ જેવી જ સુવિધાઓ છે. દરેકમાં એટેચ્ડ બાથરૂમ છે જેમાં ગરમ અને ઠંડા પાણીના શાવરની પણ વ્યવસ્થા છે.
અહીં રેસ્ટોરાં – ભોજનાલય પણ છે – જેમાં લંચ તથા કેમ્પફાયર સાથેના ડીનરની સુંદર વ્યવસ્થા છે. વિશાળ દરિયાકાંઠો, યોગ તથા ડૉકટરની પણ સગવડ છે. માંડવી પેલસેમાં પક્ષી નિરીક્ષણ, સ્વીમિંગ, ફીશિંગ, વોલીબોલ, ક્રિકેટ તથા ઇન્ડોર ગેમ્સની અને ઘોડા તથા ઊંટ-સવારીની પણ સગવડો છે. થોડે દૂર 72 જૈન દેવાલયોનું સંકુલ છે.
કચ્છનો આ વિજયવિલાસ પેલેસ જોવા જેવું સ્થળ છે. આમિરખાનની ફિલ્મ ‘લગાન‘ અને દિગદર્શક સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ‘નુ કેટલુક શૂટિંગ આ પેલેસમાં થયું હતું. પેલેસમાં મ્યુઝિયમ પણ છે, તે જોવા ઘણા પ્રવાસીઓ આવે છે. હકીકતમાં માંડવી આ પેલેસ અને તેના દરિયાકિનારા માટે પ્રવાસીઓમાં ઘણું જાણીતું છે.


હિંગોલગઢ કેસલ – હેરિટેજ હોટલ

 
જૂનાગઢનાં રાજપૂત રાજવીઓએ બાયોદ્રાનો કિલ્લો જ્યાં ધરાશયી કર્યો હતો તે જ સ્થળ પર 1665માં હિંગોળગઢનો મહેલ નિર્માણ પામ્યો. નાનકડી એકહજાર ફૂટી ઊંચી ટેકરી પર ચોતરફથી વનરાજીથી ઘેરાયેલો આ કિલ્લો પ્રકૃતિપ્રેમીઓને આકર્ષે તેવો છે. લગભગ 6 ½ કિ.મી. જેટલો વિશાળ વ્યાપ ધરાવતી જમીન મધ્યે કલાત્મક ઝરૂખા અને યુરોપીયન બાંધણી ધરાવતા આ કિલ્લાનાં અસબાબમાં યુરોપિયન શૈલીએ નયનરમ્ય રીતે સજાવવામાં આવ્યો છે. ઈટાલીયન ફ્લોરિંગથી ઝળાહળા અહીંના શયનખંડ અને બર્માટીકથી શોભતા રાચરચીલા અહીંની રોનકમાં વધારો કરે છે. આ મહેલમાં સાત-આઠ આધુનિક રૂમ્સની સગવડ છે. પરંતુ અહીંનાં આ રૂમ્સ સામાન્યકક્ષાનાં સહેલાણીઓને ભાગ્યે જ ઉપલબ્ધ થાય છે. કારણ અહીંના રાજવીઓનો એક ઉચ્ચક્ક્ષાનો માપદંડ છે અને તે પ્રમાણે જ અહીં ખાસ-સહેલાણીઓને પસંદગીના ધોરણે આગતાસ્વાગતા થાય છે.
આ હિંગોલગઢ કેસલની આસપાસ પ્રાકૃતિક સંપદા તેમજ વન્યજીવન સહેલાણીઓને આકર્ષે છે.

No comments: